૧૯૯૦ ના દાયકામાં રાજકીય હેતુ સિધ્ધ કરવા મુસ્લિમ સમાજને પારકાં ચીતરવાનો પાયો પડ્યો અને આપણે વિરુધ્ધ તેઓની નીતિ અપનાવવામાં આવી ત્યારે સાહિત્ય, પત્રકારત્વ, વક્તૃત્વ, શિક્ષણ, વકીલાત અને અન્ય સામાજિક વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પોતાનો વ્યવસાય આજીવિકા રળવાનો માત્ર સાધન ન રહ્યો પરંતુ સૌની સામાજિક જવબદારી વધી ગઈ કે રાજકીય હેતુ સિધ્ધ કરવા માટે ઉભા કરવામાં આવતા દુષ્પ્રચાર ખાળવામાં આવે અને સત્ય હકીકત લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવે. ફારૂક સાપ્તાહિકે સતત પ્રયત્નો કર્યા છે કે ભારતીય સમાજમાં વિભાજન પાડતા પ્રપંચોનું રાષ્ટ્ર તથા પ્રદેશ કક્ષાએ તટસ્થ સજ્જનો દ્વારા કરવામાં આવતા અભ્યાસને લોકો સુધી પહોંચાડવામાં અને તજજ્ઞોના પ્રમાણિક વિશ્લેષણને વાચકો સુધી પહોંચાડવામાં આવે જેથી લોકો જાગૃત રહે અને ષડયંત્રનો શિકાર ન બને.